ઍમ્સ્ટલ્વીન: મેન્સ હોકી વર્લ્ડ કપ-2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે. બંને ટીમો વાગ્નેર હોકી સ્ટેડિયમ, ઍમ્સ્ટલ્વીનમાં ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે આમને-સામને આવશે. મેચને લઈને સ્ટેડિયમ હાઉસફુલ છે અને લગભગ 10 હજાર દર્શકોની હાજરી રહેવાની છે.
ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત વેલ્સ સામે જીતથી કરી હતી, પરંતુ ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પાકિસ્તાન માટે પણ આ મુકાબલો નિર્ણાયક છે. ભારત માટે ડ્રો પણ આગળના રાઉન્ડમાં પહોંચવા માટે પૂરતો બની શકે છે, જ્યારે પાકિસ્તાન માટે જીત અનિવાર્ય છે.
53 વર્ષ જૂની ઐતિહાસિક યાદો તાજી થશે
ભારત-પાકિસ્તાનની આ ટક્કર માટે વાગ્નેર સ્ટેડિયમનું વિશેષ મહત્વ છે. 1973ના વર્લ્ડ કપમાં આ જ મેદાન પર બંને ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 1-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ કપમાં બંને ટીમો અત્યાર સુધી પાંચ વખત સામસામે આવી છે, જેમાં ભારતે ત્રણ અને પાકિસ્તાને બે મેચ જીતી છે.
આજે 53 વર્ષ બાદ ફરી એ જ મેદાન પર બંને કટ્ટર હરીફો આમને-સામને હોવાથી મુકાબલો માત્ર મેચ નહીં પરંતુ ઇતિહાસ, પ્રતિષ્ઠા અને વર્લ્ડ કપની આગળની સફર માટેની નિર્ણાયક ટક્કર બની ગયો છે.
વાગ્નેર સ્ટેડિયમમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયની મોટી હાજરી વચ્ચે રમાનારી આ મેચ પર દુનિયાભરના હોકી ચાહકોની નજર રહેશે.








