દાનની રોકડ ગણતરીમાં ચોરી; 6 સિક્યુરિટી કર્મચારીઓ ઝડપાયા
અયોધ્યા: રામમંદિર ટ્રસ્ટના દાન અને ખર્ચમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ₹3,300 કરોડના હિસાબમાં કોઈ ગડબડ મળી નથી.
સરકારના જણાવ્યા મુજબ, માત્ર રોકડ દાનની ગણતરી દરમિયાન કેટલાક કર્મચારીઓએ ચોરી કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે અને SBI તરફથી નિયુક્ત સિક્યુરિટી સર્વિસના 6 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
ટ્રસ્ટના હિસાબનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મંદિર નિર્માણ પાછળ આશરે ₹1,800 કરોડ અને જમીન ખરીદી માટે ₹400 કરોડ ખર્ચાયા હતા. આ તમામ વ્યવહારો બેંકિંગ સિસ્ટમ મારફતે થયા હોવાનું સરકારનું કહેવું છે.
સરકારના દાવા મુજબ મંદિર નિર્માણ કે જમીન ખરીદીમાં કોઈ ગોટાળો થયો નથી. ધરપકડ કરાયેલા લોકો ટ્રસ્ટ કે મંદિર વહીવટીતંત્રના કર્મચારી ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
સમગ્ર કેસની તપાસ વિશેષ અધિકારીઓની ટીમ કરી રહી છે. દરમિયાન રામમંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત્ છે અને દર મહિને આશરે ₹5 કરોડનું દાન મળતું હોવાનું જણાવાયું છે.








