હુથીઓનો સાઉદી પર મોટો હુમલો: રહેણાંક વિસ્તારો નિશાન, 11 નાગરિકો ઘાયલ

4 વર્ષના બાળક સહિત 11 લોકો ઈજાગ્રસ્ત; યમન-સાઉદી સરહદે ફરી તણાવ ચરમસીમાએ

નજરાન: યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાન વિસ્તારમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના હુમલાથી 11 નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

સાઉદી સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીના જણાવ્યા મુજબ, ઘાયલોમાં 7 સાઉદી નાગરિકો, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની નાગરિક સામેલ છે. હુમલામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો સાઉદી સેનાએ આરોપ લગાવ્યો છે.

સાઉદી સેનાએ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હુમલા બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

આ હુમલાના થોડા કલાકો પહેલાં હુથીઓએ યમનના મારીબ અને હદરામૌત પ્રાંતમાં સાઉદી સમર્થિત સરકારી દળોના સૈન્ય કેમ્પ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

અહેવાલ મુજબ મિસાઈલ અને ડ્રોન હુમલામાં 30થી વધુ સૈનિકોના મોત અને 50થી વધુ ઘાયલ થયા છે. હુથી નેતૃત્વે દાવો કર્યો છે કે પૂર્વ યમનમાં સાઉદી સમર્થિત દળોની વધતી જમાવટના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.

યમન-સાઉદી સરહદે વધતી સૈન્ય ગતિવિધિઓને કારણે વિસ્તારમાં ફરીથી તણાવનું વાતાવરણ સર્જાયું છે.

Leave a Comment

और पढ़ें