બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન બદલ મેટા પર ₹5,399 કરોડનો દંડ

અમેરિકી કોર્ટે બે તબક્કામાં કુલ 942 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો; ફેસબુક-ઈન્સ્ટાગ્રામની નીતિઓ પર સવાલ

નવી દિલ્હી: બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષા સાથે ચેડા બદલ મેટા સામે અમેરિકાની કોર્ટે મોટી કાર્યવાહી કરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પર બીજા તબક્કામાં 567 મિલિયન ડોલર, એટલે કે આશરે ₹5,399 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ન્યૂ મેક્સિકોની કોર્ટના ન્યાયમૂર્તિ બ્રાયન ડેવિડે કંપનીની નીતિઓ પર ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું કે બાળકોની સુરક્ષા કરતાં કંપનીએ નફાને વધુ પ્રાથમિકતા આપી હતી. કોર્ટના જણાવ્યા મુજબ બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે તેવી સામગ્રીને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા.

દંડમાંથી 420 મિલિયન ડોલર યુવાઓના માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે વાપરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાકીની રકમ આગામી પાંચ વર્ષ દરમિયાન જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ સેવાઓ અને હાનિકારક સામગ્રીને રોકવા માટે ખર્ચાશે.

આ અગાઉના 375 મિલિયન ડોલરના દંડથી અલગ કાર્યવાહી છે. પ્રથમ તબક્કામાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન અને પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ સંબંધિત માહિતી છુપાવવાના આરોપોને લઈને દંડ કરવામાં આવ્યો હતો.

આમ બંને તબક્કામાં મેટા પર કુલ 942 મિલિયન ડોલરનો દંડ ફટકારાયો છે. સરકારી વકીલોએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના વપરાશની આદત વધારતા ફીચર્સ પર નિયંત્રણ, તપાસ પ્રક્રિયામાં સુધારા અને બાળકો માટે વધુ સુરક્ષિત ડિફોલ્ટ પ્રાઈવસી સેટિંગ્સ લાગુ કરવાની માંગ કરી છે.

આ ચુકાદાને બાળકોની ઓનલાઈન સુરક્ષા અને મોટી ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરતી મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment