મહારાષ્ટ્ર બાદ ગુજરાતનું મોટું પગલું; ઉત્પાદનથી વેચાણ સુધી સંપૂર્ણ પ્રતિબંધ, નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે
ગાંધીનગર: રાજ્યમાં ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનોના વધતા વેચાણ અને લોકોના આરોગ્ય પર થતી સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એનાલોગ (કૃત્રિમ) પનીર અને ચીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં આવા ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ અને વિતરણ કાયદેસર રીતે પ્રતિબંધિત રહેશે.
સરકારના નિર્ણય મુજબ માત્ર એનાલોગ પનીર અને ચીઝ જ નહીં, પરંતુ ફૂડ સેફ્ટીના નિર્ધારિત ધોરણોનું પાલન કર્યા વગર તૈયાર થતા પનીર, ચીઝ અને બટર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ (FDCA) દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાશે. જ્યાં પણ પ્રતિબંધિત અથવા ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ થતું ઝડપાશે, ત્યાં જવાબદારો સામે ફૂડ સેફ્ટી કાયદા મુજબ કડક દંડાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરના સમયમાં પનીર, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોની વધતી માંગ વચ્ચે કૃત્રિમ ઉત્પાદનોના ગેરકાયદે વેપારમાં વધારો થયો હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું હતું. આ નિર્ણયથી ભેળસેળના ગેરકાયદે કારોબાર પર અંકુશ આવશે અને રાજ્યના લાખો ગ્રાહકોના આરોગ્યને વધુ સુરક્ષા મળશે તેવી સરકારને આશા છે.









