દ્વારકા નજીક ખાનગી કંપનીમાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: સાત આરોપીઓ ઝડપાયા, રૂ. 9.51 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા: જિલ્લા એલસીબી પોલીસે દ્વારકા નજીક કુરંગા સ્થિત ખાનગી કંપનીમાં થયેલી એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો માલ, રોકડ રકમ, વાહન સહિત કુલ રૂ. 9.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાંથી આશરે 295 કિલોગ્રામ એલ્યુમિનિયમ અને કોપર વાયરની ચોરી થઈ હતી. એલસીબીને મળેલી બાતમીના આધારે ખંભાળિયા-પોરબંદર રોડ પર વોચ ગોઠવી કેરી પીકઅપ વાહનમાં ચોરીનો માલ લઈ જતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કુરંગા સ્થિત કંપનીમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેમની પાસેથી 270 કિલોગ્રામ કોપર વાયર, 90 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, રૂ. 4.72 લાખની રોકડ, એક મારુતિ કેરી પીકઅપ વાહન તથા ચોરીમાં વપરાયેલા સાધનો જપ્ત કર્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉથી ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ખંભાળિયા પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें