શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ભારે તબાહી મચાવી છે. સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 90 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યભરમાં 109 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
શનિવારે કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે પર એક કાર સતલુજ નદીમાં ખાબકતાં ત્રણ યુવકોના મોત થયા હતા. ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓ અને નાળાઓમાં જળસ્તર જોખમી સપાટીએ પહોંચી ગયું છે.
કુલુ જિલ્લાના નિરચંડમાં ભૂસ્ખલનને કારણે પ્રાથમિક શાળાનું ભવન ધરાશાયી થયું હતું, જ્યારે સફરજનના અંદાજે 500 છોડ પણ નષ્ટ થયા હોવાનું સામે આવ્યું છે.
સિરમોર જિલ્લાના પાંવટા સાહિબ વિસ્તારમાં બાતા નદી પર વર્ષ 1962માં બનેલો 54 વર્ષ જૂનો પુલ ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. પુલના પિલર અગાઉથી જ નબળા પડતાં તેના પર વાહનવ્યવહાર મર્યાદિત કરવામાં આવ્યો હતો.
રવિવારે શિમલાના ઠિયોગ બાયપાસ પર પણ ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં રસ્તાની બાજુમાં ઉભેલી કાર પર પહાડ પરથી કાટમાળ અને મોટા પથ્થરો પડતાં વાહનને નુકસાન થયું હતું.
રાજ્ય સરકાર અને બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીમાં વ્યસ્ત છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.








