ગોપનીયતા, જાહેર વ્યવસ્થા અને પ્લેટફોર્મની જવાબદારી મુદ્દે થશે પૂછપરછ
નવી દિલ્હી: તાજેતરના વિદ્યાર્થી આંદોલનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ થતાં કેન્દ્ર સરકાર અને સંસદીય સમિતિ સતર્ક બની છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના નિયમન અંગે ચર્ચા કરવા માટે સંસદની સ્થાયી સમિતિએ મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), X, ગૂગલ અને સ્નેપચેટના પ્રતિનિધિઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓને હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
પ્રસારણ અને માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું કે બેઠક દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓ મહિલાઓ, બાળકો, ખેડૂતો, ગ્રામ્ય વિસ્તારોના લોકો અને સામાન્ય નાગરિકોની ગોપનીયતા કેવી રીતે સુરક્ષિત રાખે છે તેમજ જાહેર વ્યવસ્થા જાળવવા માટે કયા પગલાં ભરે છે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રેલી, લાઇવ અપડેટ, વીડિયો અને અન્ય સામગ્રીના વ્યાપક પ્રસારથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ કરીને નીટ-યુજી પેપર લીક સહિતના મુદ્દાઓ પર થયેલા વિરોધ પ્રદર્શનમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ચર્ચાનું કેન્દ્ર બની છે.









