બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટ ચોરી કેસમાં ત્રણ આરોપી પાસા હેઠળ જેલભેગા

ચોરી કરનાર બે આરોપી અને ચોરાઉ માલ ખરીદનાર ભંગાર વેપારી સામે કડક કાર્યવાહી

રાજકોટ: બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરનાર બે આરોપી તેમજ ચોરાઉ માલ હોવાનું જાણતા હોવા છતાં ખરીદી-વેચાણ કરનાર ભંગાર વેપારી સહિત ત્રણ શખ્સો સામે પોલીસ કમિશનરે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયની અટકાયત કરીને અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કેસમાં રોહિત ઉર્ફે બાવલો મનજી વાઘેલા, કલ્પેશ અર્જુન માથાસુરીયા અને ભંગાર વેપારી મનોજ કાંતિ સોલંકી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને મંજૂરી મળ્યા બાદ ત્રણેય સામે પાસાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે વોરંટની અમલવારી કરીને ત્રણેયની અટકાયત કરી હતી. બાદમાં મનોજ સોલંકીને મહેસાણા, રોહિત ઉર્ફે બાવલાને અમદાવાદ અને કલ્પેશ માથાસુરીયાને પાલનપુર જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરાઉ માલના ગેરકાયદે વેપાર સામે આવી કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે.

Leave a Comment

और पढ़ें