તહેવારો પહેલાં વેપારીઓને મોટી રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. 200થી વધુ સસ્તો

હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ વેન્ડરોને મળશે સીધો લાભ; ઘરેલુ LPGના ભાવ યથાવત

નવી દિલ્હી: તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં કેન્દ્ર સરકારે વેપારી વર્ગને મોટી રાહત આપી છે. આજથી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 200થી વધુનો ઘટાડો અમલમાં આવ્યો છે. આ ઘટાડાથી હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ વ્યવસાય, ફૂડ વેન્ડરો અને અન્ય વ્યાપારી ગ્રાહકોને સીધો લાભ મળશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જાહેર કરેલા નવા દર મુજબ વિવિધ શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 202થી રૂ. 209 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર રૂ. 202 સસ્તો થઈ રૂ. 2,879.50માં, જ્યારે કોલકાતામાં રૂ. 209ના ઘટાડા બાદ રૂ. 2,872.50માં ઉપલબ્ધ રહેશે.

જોકે, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ યથાવત રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પણ ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.

શ્રાવણ માસ, કાવડ યાત્રા અને આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખતાં કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલો ઘટાડો વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે. ખાસ કરીને હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના સંચાલન ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें