NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ; કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢી
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં ચાર માળની રહેણાંક કોહિનૂર ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નારપોલીના ભંડારી કમ્પાઉન્ડ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, મહાનગરપાલિકા અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
ભિવંડી પશ્ચિમના ધારાસભ્ય મહેશ ચૌગુલેએ જણાવ્યું હતું કે આ ઇમારતને મહાનગરપાલિકાએ અગાઉથી જ ‘સી-કેટેગરી’ (અતિ જોખમી) જાહેર કરી હતી અને તેને ખાલી કરાવવામાં આવી હતી. તેમ છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક કામદારો કામ કરી રહ્યા હતા, જેના કારણે તેઓ કાટમાળ નીચે દટાયા હોવાની શક્યતા છે.
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન NDRFની ટીમે કાટમાળમાંથી એક મહિલાને જીવંત બહાર કાઢવામાં સફળતા મેળવી છે. મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકાને નકારી શકાય તેમ નથી.








