ગિરનારની નવી સીડી પર ફરી ત્રણ નર સિંહ દેખાયા, વન વિભાગે તાત્કાલિક સંભાળી પરિસ્થિતિ

50મા પગથિયાં નજીક મધરાત્રે સિંહોની હિલચાલ; યાત્રાળુઓની સુરક્ષા વચ્ચે વનરાજોને સુરક્ષિત રીતે જંગલમાં મોકલાયા

જૂનાગઢ: ગિરનાર પર્વતની નવી સીડી પર ફરી એકવાર ત્રણ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાતા વન વિભાગ સતર્ક બન્યો હતો. બુધવારે મધરાત્રે આશરે 3 વાગ્યે નવી સીડીના 50મા પગથિયાં નજીક ત્રણેય સિંહો દેખાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વન વિભાગને જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ સિંહોની હિલચાલ પર સતત નજર રાખી યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સાવચેતીપૂર્વકની કામગીરી બાદ ત્રણેય સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ વિના તેમના કુદરતી આવાસ તરફ સુરક્ષિત રીતે પરત મોકલવામાં આવ્યા હતા.

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વન્યજીવ સંરક્ષણ અને જનસુરક્ષા બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગિરનારમાં આવનારા યાત્રાળુઓની સલામતી માટે વન વિભાગ સતત સતર્ક રહે છે અને જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈ, 2026ના રોજ ગિરનારના 50મા પગથિયાં નજીક સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું મોત થયું હતું. ત્યારથી વન વિભાગે ગિરનાર વિસ્તારમાં દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે.

વન વિભાગે યાત્રાળુઓને ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે સાવચેતી રાખવા, એકલા પ્રવાસ ન કરવા તથા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें