ભિલાડ રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના ટળી: ચાલુ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું

વિરાર-ભરૂચ મેમુ ભિલાડ સ્ટેશને પહોંચતા પહેલા સર્જાઈ ઘટના; જાનહાનિ નહીં, અનેક ટ્રેનોના સમયપત્રક પર અસર

વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1 પર પહોંચતા પહેલાં જ પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

ઘટના બનતા જ રેલવે અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. એન્જિનને ફરી પાટા પર ચડાવવા અને ટ્રેકને કાર્યરત બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અકસ્માતને કારણે મુંબઈ-ગુજરાત રૂટ પર રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી દોડી, જેના કારણે હજારો મુસાફરોને સ્ટેશનો પર રાહ જોવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ પારડી-ઉદવાડા વચ્ચે ભારે વરસાદના કારણે ટ્રેક નજીક માટી ધસી પડતાં રેલવે સેવા પ્રભાવિત થઈ હતી. હવે ભિલાડ ખાતે એન્જિન પાટા પરથી ઉતરવાની ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ટ્રેકની સ્થિતિ અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે.

Leave a Comment

और पढ़ें