ઉત્તરાખંડમાં મેઘતાંડવ: અતિભારે વરસાદ વચ્ચે ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત

ઓરેન્જ એલર્ટ વચ્ચે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગો બંધ; ફ્લેશ ફ્લડની ચેતવણી બાદ વહીવટીતંત્રનો નિર્ણય

દેહરાદૂન: ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે ચારધામ યાત્રા પર મોટી અસર પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, કાટમાળ અને પથ્થરો ધસી પડવાની સતત ઘટનાઓને કારણે ચારધામ યાત્રા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી અને પૌડી ગઢવાલ જિલ્લામાં અતિભારે વરસાદ, વીજળી અને ભૂસ્ખલનની સંભાવના વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તરફ જતાં અનેક મુખ્ય માર્ગો અવરોધિત થયા છે.

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પણ ફ્લેશ ફ્લડનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઢવાલ મંડળના કમિશનરે જણાવ્યું છે કે હવામાન સામાન્ય બન્યા બાદ અને તમામ માર્ગો સુરક્ષિત જાહેર થયા પછી જ ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

સતત વરસાદના કારણે દેહરાદૂનમાં નદી પરનો એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વહીવટી તંત્રે સ્થાનિક લોકો અને યાત્રાળુઓને નદી-નાળા અને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગ અને પ્રશાસનની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें