ચંબામાં ગમખ્વાર અકસ્માત: કાર ઊંડી ખાઈમાં ખાબકતાં એક જ પરિવારના પાંચના મોત

સારવાર કરાવી પરત ફરી રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો; માસૂમ બાળક સહિત પાંચેયના ઘટનાસ્થળે જ મોત

ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે પઠાનકોટ-ભરમોર નેશનલ હાઇવે પર લાહાડ ગામ નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં એક માસૂમ બાળક, બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક માહિતી મુજબ પરિવાર ચંડીગઢથી બાળકની સારવાર કરાવી પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કારનો કાબૂ ગુમાતાં વાહન ઊંડી ખાઈમાં ખાબકી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, સતત વરસાદ અને માર્ગની વિકટ પરિસ્થિતિને કારણે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें