ગાંદરબાલ જિલ્લાના ગુંડ વિસ્તારમાં અકસ્માત; પોલીસ, ITBP અને સ્થાનિકોએ હાથ ધર્યું તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન
શ્રીનગર: અમરનાથ યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ જમ્મુ-કાશ્મીરના ગાંદરબાલ જિલ્લાના ગુંડ નજીક હરિગનીવાન વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનતા 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. બસ એક તીવ્ર ‘એસ’ વળાંક પાસે કાબૂ ગુમાવી ખાઈમાં ખાબકી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન અને બચાવદળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુંડ પોલીસે સ્થાનિક લોકો અને ITBPના જવાનોની મદદથી બસમાં ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.









