અભિજીત દીપકનો દાવો – લડત હજુ પૂર્ણ નથી; બાકી માંગણીઓના અમલ સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ
નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટીએ તેને વિદ્યાર્થી આંદોલનની મોટી સફળતા ગણાવી છે. પક્ષના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું કે આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત સંઘર્ષનું પરિણામ છે.
તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું તેમની મુખ્ય માંગણીઓમાંથી એક હતી, પરંતુ સમગ્ર મુદ્દાનો અંત હજુ આવ્યો નથી. હવે અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ પર સરકારના નિર્ણયની રાહ જોવામાં આવશે.
અભિજીત દીપકે જણાવ્યું કે આંદોલન દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય, આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસોની સમીક્ષા અને જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી જેવી માંગણીઓ હજુ યથાવત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા સાથે જાહેર કરેલા સંદેશમાં વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ ગણાવતાં જણાવ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે અને દેશના યુવાનો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા યથાવત રહેશે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સરકાર બાકી રહેલી માંગણીઓ અંગે શું વલણ અપનાવે છે અને આગામી દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર રાજકીય અને શૈક્ષણિક વર્તુળોની નજર મંડાઈ છે.








