સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મેગા એન્ટ્રી: વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના વડીયામાં 7 ઇંચ, જ્યારે ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટ શહેરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વડીયા પંથકમાં ધોધમાર વરસાદથી સુરવો નદીમાં નવા નીર આવ્યા, અનેક ચેકડેમો ઓવરફ્લો થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું. અમરેલી અને બગસરા વિસ્તારના અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

ગોંડલમાં રાતભરના વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જામનગર શહેર અને જોડિયા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા જળાશયોમાં નવા નીરની આવક વધી છે.

જૂનાગઢ, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરતાં નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें