અમદાવાદ વરસાદથી બેહાલ: રસ્તાઓ જળમગ્ન, પાર્કિંગમાં વાહનો ગરકાવ

અમદાવાદ: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે અમદાવાદમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા છે. માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે અનેક રહેણાંક સોસાયટીઓના પાર્કિંગમાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે.

ચાંદખેડામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોતા, નરોડા, મેમ્કો અને એરપોર્ટ વિસ્તારમાં દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ત્રાગડ રોડ, IOC રોડ અને ડી-કેબીન રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.

ભારે વરસાદને પગલે શહેરના 17 અંડરબ્રિજ બંધ કરાયા હતા, જેમાંથી પાણી ઉતરતાં 9 ફરી શરૂ કરાયા છે, જ્યારે 8 અંડરબ્રિજ હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.

ખોખરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી બસમાંથી ફાયર બ્રિગેડે 55 મુસાફીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. નિકોલમાં હજારો રહેવાસીઓ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે શેલા વિસ્તારમાં રહેણાંક સ્કીમના પાર્કિંગમાં અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં બચાવ કામગીરી ચાલુ છે. NDRF, SDRF અને અન્ય ટીમો સતત કામગીરીમાં જોડાયેલી છે, જ્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Comment

और पढ़ें