અમદાવાદ: દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. અમદાવાદમાં માત્ર સાત કલાકમાં 6 ઇંચ સુધી વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ઠેરઠેર પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફિક જામમાં ફસાયો હતો.
સૌથી વધુ વરસાદ બોપલ, સરખેજ, જોધપુર, બોડકદેવ, સાયન્સ સિટી અને મકતમપુરા વિસ્તારમાં નોંધાયો હતો. અનેક સોસાયટીઓ અને અંડરબ્રિજોમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.
ભેદવાડ ખાડી, કૃષ્ણનગર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલ વાન પાણીમાં ફસાતાં પોલીસ અને ફાયર વિભાગે બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. દાણીલીમડા, સરખેજ અને ગુરુકુળ રોડ પર પણ વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
પેલેડિયમ મોલ નજીક ભારે ટ્રાફિક વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ થોડા સમય માટે અટવાયો હતો. ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરી કાફલાને આગળ રવાના કરવામાં આવ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે અને આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.








