ગાંધીનગર: નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મોસમી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ટેબલેટ્સ, દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, રાહત શિબિરોમાં આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાંથી સગર્ભા મહિલાઓને અગાઉથી નજીકના CHC ખાતે ખસેડવાની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી.
જરૂરિયાત ઉભી થાય તો અન્ય જિલ્લાઓમાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમો તાત્કાલિક મોકલી શકાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના અનુભવને આધારે માઇક્રો પ્લાનિંગ સાથે તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ રાખવા ભાર મૂકાયો હતો.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની સમીક્ષા કરવા તેઓ સુરત અને નવસારીની મુલાકાતે રવાના થયા છે.








