કુવાડવા નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: 1,200 બોટલ સાથે ₹13.15 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: શહેર પોલીસની PCB ટીમે કુવાડવા નજીક હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપી 1,200 વિદેશી દારૂની બોટલ સહિત ₹13.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકના ચાલકની ધરપકડ કર્યા બાદ રાજકોટના બે બુટલેગરોને પણ સકંજામાં લેવામાં આવ્યા છે, જ્યારે દમણના બે સપ્લાયરો ફરાર હોવાનું સામે આવ્યું છે.

ચોક્કસ બાતમીના આધારે કુવાડવા નજીક માલધારી હોટલ સામે ટ્રક રોકી તપાસ કરતાં ટ્રકના જૂના ટાયરની અંદર વ્હીલ પ્લેટની આડમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક તૌફીક દાઉદ પરમારની ધરપકડ કરી હતી.

પૂછપરછમાં દારૂનો જથ્થો દમણથી મનીષ ઉર્ફે બાલી અને સોહીલ ઉર્ફે ભાણા દ્વારા મોકલાયો હોવાનું તેમજ રાજકોટમાં સાજીદ રાઉમા અને યાસીન બ્લોચે મંગાવ્યો હોવાનું સામે આવતા બંને બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. ફરાર સપ્લાયરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

તપાસમાં દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. ટોળકી દારૂની બોટલો ટ્રકના જૂના ટાયરમાં છુપાવી તેના પર વ્હીલ પ્લેટ ફિટ કરી લોક મારી દેતી હતી, જેથી સામાન્ય તપાસમાં જથ્થો ઝડપાઈ ન શકે. પોલીસે આ કાવતરાનો પર્દાફાશ કરી સમગ્ર જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment