અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપના સામસામા ધરણા, 2,000 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત

અમદાવાદ: નીટ પેપર લીક મામલે વિરોધ પ્રદર્શનને લઈને અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના સામસામા કાર્યક્રમો યોજાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા 2,000થી વધુ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદેશ કાર્યાલયેથી ધરણા અને રેલી યોજી હતી. રેલી દરમિયાન પોલીસ દ્વારા રોકવામાં આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કોંગ્રેસના વિરોધના જવાબમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય બહાર ઘેરાવ અને ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કાર્યક્રમને પગલે કોંગ્રેસ કાર્યાલયના પ્રવેશદ્વાર બંધ કરાયા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

શહેરમાં ક્રાઇમ બ્રાંચ, એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિત 2,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગો અને કોંગ્રેસ કાર્યાલય આસપાસ કડક સુરક્ષા ગોઠવી ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી.

Leave a Comment

और पढ़ें