અત્યાર સુધી 17 શખ્સોની ધરપકડ, 34 ગેરકાયદેસર હથિયારો અને 32 જીવતા કારતૂસ કબજે; તપાસમાં હજુ વધુ ખુલાસાની શક્યતા
રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. વેપન કાર્ટેલ ગેંગની તપાસમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. આ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 17 આરોપીઓની ધરપકડ, 34 ગેરકાયદેસર હથિયારો અને 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં PCB દ્વારા ગેરકાયદેસર હથિયારોના સપ્લાય ચેઇનને તોડી પાડવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આગાઉ ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર શકીલ મન્સૂરી, પ્રદીપ કરપડા અને દર્શન ઉર્ફે ગાવસ્કરના રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં વધુ મહત્વના ખુલાસા થયા હતા. આરોપી શકીલે કિશોર કોબીયા, વિપુલ સાંકળીયા અને સાવન ડાભીને ગેરકાયદેસર હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતાં PCBએ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશોર ઉર્ફે ભગત વજા કોબીયા (ચોટીલા), વિપુલ ઉર્ફે ભોલુ ભરત સાંકળીયા (ચોટીલા) અને **સાવન કેશુ ડાભી (રાજકોટ)**નો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ ત્રણ દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિશોરે દર્શન ઉર્ફે ગાવસ્કર પાસેથી બે હથિયારો ખરીદ્યા હતા, જેમાંથી એક હથિયાર તેણે વિપુલને આપ્યું હતું. જ્યારે સાવન ડાભીનો સીધો સંપર્ક મુખ્ય સૂત્રધાર શકીલ મન્સૂરી સાથે હોવાથી તેણે તેની પાસેથી હથિયાર મેળવ્યું હોવાનું સ્વીકાર્યું છે. ત્રણેય આરોપીઓએ પોતાના વિસ્તારમાં દબદબો અને રોફ જમાવવા માટે હથિયારો રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
PCBના જણાવ્યા મુજબ, વેપન કાર્ટેલ ગેંગના નેટવર્કને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તપાસ હજુ યથાવત રાખવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ આરોપીઓ અને ગેરકાયદેસર હથિયારોનો પર્દાફાશ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એમ.આર. ગોંડલીયાની આગેવાની હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઈ મયુર પાલરિયા, સંતોષ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.









