મુર્શિદાબાદમાં ટ્રેન-સ્કૂલ વેન અકસ્માત: બે વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત, અનેક બાળકો ઘાયલ

ખુલ્લા રેલવે ફાટક પરથી પસાર થતી સ્કૂલ વેનને ટ્રેને મારી ટક્કર; ગેટ સમયસર બંધ ન થતા ગંભીર બેદરકારીના આક્ષેપ

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બરહમપુર વિસ્તારમાં શુક્રવારે સવારે થયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં સ્કૂલ વેન ટ્રેનની અડફેટે આવી જતાં બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 7 વાગ્યે સ્કૂલ વેન નાના વિદ્યાર્થીઓને લઈને શાળા તરફ જઈ રહી હતી. તે દરમિયાન ખુલ્લા રેલવે ફાટક પરથી પસાર થતી વેળાએ અચાનક ઝડપભેર આવી રહેલી ટ્રેને વેનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વેનના ફુરચા ઉડી ગયા હતા.

અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત કુલ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જ્યારે ઘાયલ થયેલા બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક ટ્રેન પસાર થયા બાદ રેલવે ફાટક ખોલી દેવામાં આવ્યો હતો. જોકે, બાજુના ટ્રેક પર બીજી ટ્રેન આવી રહી હોવા છતાં ફાટક ફરીથી બંધ કરવામાં આવ્યો નહોતો. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના રેલવે તંત્રની ગંભીર બેદરકારીનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી શરૂ કરી હતી. રેલવે તંત્રે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ફાટક સમયસર કેમ બંધ ન થયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Leave a Comment

और पढ़ें