જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા; બોમ્બ બનાવવાની સામગ્રી, ઉશ્કેરણીજનક સાહિત્ય અને વિદેશી સંપર્કોના પુરાવા મળ્યા
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ પખવાડિયામાં કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ 8 વખત વિસ્ફોટના પરીક્ષણો કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
માહિતી મુજબ, ATSએ ગત 3 જુલાઈએ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ શંકાસ્પદ ઓપરેટિવ્સની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ પાંચ શખ્સોને સિદ્ધપુર સહિતના વિસ્તારોમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 24 જુલાઈ સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મોટી માત્રામાં ઉશ્કેરણીજનક ધાર્મિક સાહિત્ય, બોમ્બ બનાવવાની માહિતી તેમજ અન્ય ડિજિટલ પુરાવા મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિસ્ફોટક બનાવવાના પ્રયોગો પણ કર્યા હતા અને રાજ્યમાં વિવિધ સ્થળોએ આઠ વખત પરીક્ષણ હાથ ધર્યા હતા.
ATSની પ્રાથમિક તપાસ મુજબ મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. તેણે ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. બાદમાં આ સામગ્રી તેણે અન્ય આરોપી બિલાલ આબિદ શેખને સોંપી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા ‘અબ્દુલ્લા સાહબ’ નામના હેન્ડલરના સંપર્કમાં હતા અને તેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કામગીરી માટે અજાણ્યા વ્યક્તિ મારફતે અંદાજે રૂ.3 લાખની રકમ પણ મળ્યાની માહિતી મળી છે.
ATS હવે સમગ્ર નેટવર્ક, સ્થાનિક સંપર્કો, આર્થિક વ્યવહારો તેમજ સંભવિત આતંકી ષડયંત્રના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓના મતે આ કાર્યવાહીથી સંભવિત મોટી આતંકી ઘટનાને સમયસર નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.








