નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દેશમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ભારતમાં મોંઘવારી ફરી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અર્થશાસ્ત્રીઓના મતે વૈશ્વિક ક્રૂડ ઓઈલના વધતા ભાવ, ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી અને વરસાદની ખેંચ આગામી મહિનાઓમાં સામાન્ય લોકોના બજેટ પર વધુ ભાર મૂકી શકે છે.
તાજેતરના સત્તાવાર આંકડા મુજબ જૂન મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી દર વધીને 4.38 ટકા નોંધાયો છે, જ્યારે મે મહિનામાં તે 3.93 ટકા હતો. ખાદ્ય મોંઘવારીનો દર પણ 4.78 ટકાથી વધીને 5.32 ટકા થયો છે. શાકભાજી, ફળો, મસાલા તેમજ પરિવહન અને અન્ય સેવાઓના વધતા ખર્ચે મોંઘવારીમાં વધારો નોંધાયો છે.
ઉદ્યોગોને અસર કરતી જથ્થાબંધ મોંઘવારી (WPI) પણ જૂનમાં 9.87 ટકા સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. ક્રૂડ ઓઈલ, રસાયણો, ધાતુઓ અને અન્ય ઔદ્યોગિક કાચા માલના વધેલા ભાવને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેની અસર આગામી સમયમાં રિટેલ બજારમાં પણ જોવા મળી શકે છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહ્યા તો ભારત માટે ઇંધણના ભાવ ઘટાડવા મુશ્કેલ બની શકે છે. તેના કારણે પરિવહન ખર્ચ વધીને વિવિધ ચીજવસ્તુઓના ભાવ પર પણ અસર પડી શકે છે.
આ સાથે દેશમાં વરસાદનું વિતરણ પણ અસમાન રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં વરસાદની અછતના કારણે ખેતી અને પુરવઠા વ્યવસ્થા પર અસર થઈ રહી છે. પરિણામે શાકભાજી, કઠોળ, ખાદ્ય તેલ અને અન્ય કૃષિ આધારિત ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં મોંઘવારી પર સૌથી મોટો પ્રભાવ ચોમાસાની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવનો રહેશે. જો વરસાદ સામાન્ય રહેશે અને વૈશ્વિક તણાવમાં ઘટાડો થશે તો મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં મદદ મળી શકે છે.
સરકાર અને ભારતીય રિઝર્વ બેંક હાલ મોંઘવારીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જરૂરિયાત મુજબ નીતિગત પગલાં અને પૂરતા અનાજના બફર સ્ટોકના આધારે ભાવને નિયંત્રિત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









