રાજકોટ: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો-પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું છે. તેમ છતાં તેની મુખ્ય અસર પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં જ જોવા મળશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક અથવા ભારે વરસાદની શક્યતા ઓછી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય રહેવાની સંભાવના છે.
જાણીતા હવામાન વિશ્લેષક અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, 22 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. કેટલાક વિસ્તારોમાં એકાદ-બે દિવસ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં અથવા હળવો વરસાદ પડવાની સંભાવના છે. હાલની પરિસ્થિતિને જોતા ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બને તેવી શક્યતા ઓછી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
હાલ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે, જેના કારણે પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. ગુજરાતમાં તેની સીધી અસર મર્યાદિત રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના પરિબળો અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના પ્રભાવથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ભારત તરફ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ 19 જુલાઈ આસપાસ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતની વાત એટલી છે કે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.








