પોસ્ટ-ફ્લાઈટ ડેકલેરેશન 35 મિનિટ મોડું કરાયું; ટેસ્ટના તમામ પરિણામ નેગેટિવ આવ્યા છતાં ત્રણ મહિના માટે સસ્પેન્શન
2 ઓગસ્ટ 2026ના રોજ દુબઈથી અમૃતસર આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટના 8 ક્રુ મેમ્બરો સામે ફરજિયાત બ્રેથ એનેલાઈઝર ટેસ્ટની પ્રક્રિયામાં વિલંબ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં પોસ્ટ-ફ્લાઈટ ડેકલેરેશન પૂર્ણ ન કરવાના કારણે તમામ 8 ક્રુ મેમ્બરોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિમાનન નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બાદ ક્રુ મેમ્બરે ફ્લાઈટમાંથી ઉતર્યા પછી બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઈટ ડેકલેરેશન જમા કરાવવાનું હોય છે. જોકે, આ કિસ્સામાં ડેકલેરેશન પ્રક્રિયા નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી પૂર્ણ થઈ હતી.
પ્રક્રિયામાં વિલંબ થતાં એરલાઈનના સુરક્ષા પ્રોટોકોલ મુજબ તમામ ક્રુ મેમ્બરોના ફરજિયાત બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો હેતુ ક્રુ મેમ્બરે સાઈકોએક્ટિવ અથવા નશાકારક પદાર્થોનું સેવન કર્યું છે કે નહીં તે ચકાસવાનો હતો.
રાહતની વાત એ રહી કે તમામ 8 ક્રુ મેમ્બરોના ટેસ્ટના પરિણામ નેગેટિવ આવ્યા હતા. એટલે કે તપાસ દરમિયાન કોઈપણ ક્રુ મેમ્બરે નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું નથી. તેમ છતાં ફરજિયાત પ્રક્રિયા સમયસર પૂર્ણ ન કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી હેઠળ ત્રણ મહિનાનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે.









