હવે ફાસ્ટેગ બદલ્યા વિના બેન્ક બદલી શકાશે

‘વન ટેગ-વન બેન્ક’ સુવિધા શરૂ; જૂનો ફાસ્ટેગ જ નવી બેન્ક સાથે ઉપયોગ કરી શકાશે

વાહન માલિકો માટે ફાસ્ટેગને લઈને મહત્વની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે નવો ફાસ્ટેગ ખરીદ્યા વિના તેની સાથે સંકળાયેલી બેન્ક બદલી શકાશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા ‘વન ટેગ’ બેન્ક પોર્ટેબિલિટી સુવિધા રાજમાર્ગ યાત્રા એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સુવિધા હેઠળ વાહન પર અગાઉથી લગાવેલો ફાસ્ટેગ જ બીજી બેન્ક સાથે ઉપયોગ કરી શકાશે. બેન્ક બદલવા માટે વાહન માલિકે રાજમાર્ગ યાત્રા એપમાં લોગિન કરીને વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ ફાસ્ટેગ બેન્ક બદલવા માટે વાહન પાત્ર છે કે નહીં તેની માહિતી મળશે.

પાત્રતા જણાયા બાદ હાલની બેન્ક તરફથી 6 આંકડાનો મોબાઇલ વેરિફિકેશન કોડ (MVC) મેળવવાનો રહેશે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ વાહન માલિક નવી બેન્ક પસંદ કરી શકશે. નવી બેન્ક દ્વારા ગ્રાહક વેરિફિકેશન અને ફાસ્ટેગ એકાઉન્ટને સક્રિય કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

એકવાર બેન્ક બદલ્યા બાદ ફરીથી અન્ય બેન્કમાં ફાસ્ટેગ પોર્ટ કરવા માટે 6 મહિનાનો સમયગાળો રાખવામાં આવ્યો છે. એટલે કે બેન્ક બદલ્યા બાદ આગામી 6 મહિના સુધી ફરી બેન્ક પોર્ટેબિલિટીનો લાભ લઈ શકાશે નહીં.

ખાસ વાત એ છે કે બેન્ક બદલ્યા બાદ વાહનની વિન્ડસ્ક્રીન પર લાગેલો જૂનો ફાસ્ટેગ બદલવાની જરૂર રહેશે નહીં. ફાસ્ટેગની ઓળખ અને નંબર યથાવત રહેશે અને એ જ ટેગ નવી બેન્ક સાથે ઉપયોગ કરી શકાશે.

Leave a Comment

और पढ़ें