ઓગસ્ટમાં સોનાની આયાતમાં 58 ટકાનો ધરખમ ઘટાડો

વૈશ્વિક યુદ્ધ અને ભૌગોલિક તણાવ વચ્ચે ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ દરમિયાન સોનાની આયાતમાં 57.7 ટકાનો ઘટાડો નોંધાતા દેશની વેપાર ખાધમાં પણ રાહત મળી છે.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ ઓગસ્ટમાં ભારતે 2.3 અબજ ડોલરનું સોનું આયાત કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 5.4 અબજ ડોલર હતું. એટલે કે સોનાની આયાતમાં 57.7 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાની અસરથી ઓગસ્ટમાં દેશની વેપાર ખાધ 26.86 અબજ ડોલર રહી છે, જે પાંચ મહિનાનું સૌથી નીચું સ્તર છે.

બીજી તરફ ઓગસ્ટમાં ભારતની નિકાસ 26.12 ટકા વધીને 43.81 અબજ ડોલર થઈ હતી. જૂન 2022 બાદ આ સૌથી ઝડપી માસિક નિકાસ વૃદ્ધિ હોવાનું જણાવાયું છે. નિકાસ વૃદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો ફાળો રહ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતની કુલ નિકાસ 17.85 ટકા વધીને 215.19 અબજ ડોલર થઈ છે. જોકે આ સમયગાળામાં આયાત પણ વધી છે. ઓગસ્ટમાં આયાત 14.1 ટકા વધીને 70.76 અબજ ડોલર રહી હતી, જ્યારે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ આયાત 18.21 ટકા વધીને 363 અબજ ડોલર થઈ છે.

કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિક્સ દેશો તથા અન્ય વિકાસશીલ દેશોમાંથી ભારતીય ઉત્પાદનોની માંગ સારી રહી છે, જેના કારણે નિકાસને વેગ મળ્યો છે.

Leave a Comment

और पढ़ें