માનવજાત માટે મોટો ખતરો: ગ્લોબલ વોર્મિંગની 1.5°C સીમા હવે ટાળવી મુશ્કેલ

UNEPનો ચેતવણીભર્યો અહેવાલ: પેરિસ કરારનું પ્રથમ લક્ષ્ય પાર થવાની આશંકા, હવે 2°Cની મર્યાદા જાળવવાનો પડકાર

દુનિયાએ પૃથ્વીના વધતા તાપમાનને જોખમી સ્તરે પહોંચતા અટકાવવાની પ્રથમ લડાઈ હારી હોવાના સંકેતો મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)ના ‘લિમિટિંગ ઓવરશૂટ’ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી કેટલાક વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વધારો પેરિસ કરાર હેઠળ નક્કી કરાયેલી 1.5°Cની મર્યાદાને પાર કરી શકે છે અને આ સ્થિતિ દાયકાઓ સુધી યથાવત્ રહી શકે છે.

રિપોર્ટ મુજબ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાની સરખામણીએ વૈશ્વિક તાપમાનમાં આશરે 1.4°Cનો વધારો થઈ ચૂક્યો છે. હવે 1.5°Cની મર્યાદા પાર થવાનું ટાળવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં તાપમાનને 2°Cની નીચે રાખવા અને ભવિષ્યમાં વધેલું તાપમાન ફરી ઘટાડવાનો પડકાર વિશ્વ સામે છે.

ચરમ હવામાનથી જોખમ વધશે

તાપમાનમાં સતત વધારો થતાં ચરમ હવામાનની ઘટનાઓ વધુ ગંભીર બની શકે છે. ગરમીના મોજા, પૂર, ચક્રવાત અને અન્ય કુદરતી આપત્તિઓના કારણે મૃત્યુ અને બીમારીઓનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેની સીધી અસર ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર પણ પડી શકે છે, જ્યારે અનેક વિસ્તારોમાં પાણીની અછત વધુ ગંભીર બનશે.

વૈજ્ઞાનિકોના મતે પશ્ચિમ એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના બરફના સ્તરો, એમેઝોનનું વર્ષાવન તેમજ એટલાન્ટિક મહાસાગરની તાપમાન નિયંત્રિત કરતી સમુદ્રી ધારાઓ જેવા મહત્વપૂર્ણ ‘ટિપિંગ પોઈન્ટ્સ’ પણ જોખમમાં આવી શકે છે.

સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિક રોબ જેક્સનના જણાવ્યા મુજબ વધેલું તાપમાન ફરી નીચે લાવવું સૌથી મોટી આશા છે, પરંતુ તેની શક્યતા અત્યંત ઓછી છે.

ભારત પણ ગંભીર અસરનો સામનો કરી રહ્યું છે

1. ટોચના અસરગ્રસ્ત દેશોમાં ભારત: ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2026 મુજબ ભારત વિશ્વના સૌથી વધુ પ્રભાવિત 10 દેશોમાં સામેલ છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં તાપમાનમાં આશરે 0.9°Cનો વધારો થયો છે. હીટવેવ અને ચક્રવાત જેવી ચરમ હવામાન ઘટનાઓની તીવ્રતા પણ વધી રહી છે.

2. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન: UNEPના 2025ના રિપોર્ટ મુજબ કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ભારત વિશ્વના મોટા ઉત્સર્જક દેશોમાં સામેલ છે. જોકે, ભારતનું પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન વિકસિત દેશોની સરખામણીએ ઘણું ઓછું છે.

3. હિમાલય પર અસર: હિંદુકુશ-હિમાલય વિસ્તારમાં તાપમાનમાં ઝડપી વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર્સ પીગળવાની પ્રક્રિયા પણ ઝડપી બની છે. મેદાની વિસ્તારોમાં હીટ સ્ટ્રેસ વધવા સાથે ચોમાસાના વરસાદની પેટર્નમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

4. તાપમાનના રેકોર્ડ: ભારતમાં ગરમીના નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. 19 મે 2016ના રોજ રાજસ્થાનના ફલોદીમાં 51°C તાપમાન નોંધાયું હતું.

5. હીટવેવનું જોખમ: હવામાન વિભાગની આગાહીઓ અનુસાર હિમાલયની તળેટી, પૂર્વ કિનારો, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આગામી સમયમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવ રહેવાની આશંકા છે.

Leave a Comment

और पढ़ें