શેરબજારમાં IPOનો ધસારો: 34 કંપનીઓ ₹45 હજાર કરોડ એકત્ર કરશે

30 સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યુ લાવવાની તૈયારી, દરરોજ નવા IPOની શક્યતા

મુંબઈ: ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં IPOનો મોટો ધસારો જોવા મળી શકે છે. 34 કંપનીઓ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં IPO લાવીને આશરે ₹45,000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.

સેબી તરફથી મળેલી મંજૂરીની સમયમર્યાદા નજીક હોવાથી કંપનીઓ ઝડપથી IPO પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયાસ કરી રહી છે. નિયમ મુજબ મંજૂરી મળ્યાના એક વર્ષની અંદર IPO લાવવો જરૂરી છે.

30 સપ્ટેમ્બર સુધીમાં હવે માત્ર 35 ટ્રેડિંગ સેશન બાકી હોવાથી આગામી દિવસોમાં લગભગ દરરોજ નવો IPO બજારમાં આવી શકે છે.

આ યાદીમાં ક્રેડિલા ફાઇનાન્સિયલ સર્વિસિસ, ડોર્ફ-કેટલ કેમિકલ્સ, કન્ટિન્યુઅમ ગ્રીન એનર્જી, પ્રેસ્ટિજ હોસ્પિટાલિટી, ઈમેજિન માર્કેટિંગ અને ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી સહિતની કંપનીઓ સામેલ છે.

સમયમર્યાદા ચૂકી જાય તો કંપનીઓએ ફરીથી DRHP ફાઈલ કરીને સેબીની મંજૂરી લેવી પડે છે, જેમાં ₹3થી ₹5 કરોડનો ખર્ચ અને 60થી 90 દિવસનો વધારાનો સમય લાગી શકે છે.

2026ના પ્રથમ સાત મહિનામાં 39 કંપનીઓએ IPO મારફતે આશરે ₹51,000 કરોડ એકત્ર કર્યા છે. આગામી દિવસોમાં પણ IPOની સંખ્યા વધવાથી રોકાણકારોને પ્રાથમિક બજારમાં નવી તકો મળી શકે છે.

Leave a Comment