નવી દિલ્હી: વર્લ્ડ સ્કાયડાઇવિંગ ડે નિમિત્તે 11 જુલાઈએ વિશ્વભરમાં અનોખો રેકોર્ડ સર્જાયો. 43 દેશોના કુલ 31,075 લોકોએ માત્ર 24 કલાકમાં સ્કાયડાઇવિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડાની સ્કાયડાઇવિંગ સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ આ અભિયાન યોજાયું હતું. તેમાં પ્રોફેશનલ તેમજ પ્રથમ વખત સ્કાયડાઇવિંગ કરનારા હજારો લોકો જોડાયા હતા. અનેક સ્થળોએ ગ્રુપ જમ્પ તો અનેક જગ્યાએ સોલો જમ્પ યોજાયા હતા.
ગત વર્ષે આ જ અભિયાન દરમિયાન 30,351 લોકોએ સ્કાયડાઇવિંગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે તે રેકોર્ડ તોડવા માટે વિશ્વભરની સ્કાયડાઇવિંગ સંસ્થાઓએ દિવસ-રાત કામગીરી કરી હતી.
કાર્યક્રમના તમામ જમ્પના દસ્તાવેજો, વિડિયો અને સત્તાવાર નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સને મોકલવામાં આવ્યા હતા. ચકાસણી પૂર્ણ થયા બાદ એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા સ્કાયડાઇવિંગ કરવાનો નવો વિશ્વવિક્રમ સત્તાવાર રીતે નોંધાયો.








