ખંભાળિયા પાસે કારમાંથી 200 લીટર દેશી દારૂ ઝડપાયો: 23 વર્ષીય શખ્સની ધરપકડ

રૂ. 2 લાખનો મુદ્દામાલ કબજે; દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી વધુ એક શખ્સને ઝડપાયો

ખંભાળિયા: ખંભાળિયા-પોરબંદર હાઈવે પર એલસીબી પોલીસે કાર્યવાહી કરીને કારમાં લઈ જવાતો 200 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે 23 વર્ષીય રામ ભારમલ ધારાણીની ધરપકડ કરી હતી.

એલસીબીના પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ ટીમને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક ધરાનગર વિસ્તારમાં રહેતા રામ ભારમલ ધારાણીને શાળા નજીકથી કારમાં દારૂ લઈ જતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ.40 હજારનો દેશી દારૂ, રૂ.1.50 લાખની ટોયોટા કોરોલા કાર અને રૂ.10 હજારનો મોબાઈલ ફોન, મળી કુલ રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના રાણા બાલા કોડીયાતર પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો અન્ય પાંચ શખ્સોએ મંગાવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

ભાણવડમાં દારૂની ભઠ્ઠી પર દરોડો

આ સાથે એલસીબી પોલીસે ભાણવડ નજીક બરડા ડુંગર વિસ્તારમાં આવેલા ટપકેશ્વર તળાવ પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર પણ દરોડો પાડ્યો હતો. બાવળની ઝાળીમાં ચાલતી આ ભઠ્ઠીમાંથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, તાંબાની નળી સહિતનો રૂ.46 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન રાણપર ગામના 31 વર્ષીય રાણા બાલા કોડીયાતરની અટકાયત કરવામાં આવી હતી. ભાણવડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે બંને કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને દારૂના સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા તપાસનો દોર આગળ વધાર્યો છે.

Leave a Comment