5-ડે વર્કિંગ અંગે ખાસ કમિટી રચાશે : હડતાળ રદ થતાં આજથી બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ
મોડી રાત્રે બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) વચ્ચે થયેલી વાટાઘાટો સફળ થતાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલી ત્રણ દિવસની દેશવ્યાપી બેન્ક હડતાળ રદ કરવામાં આવી છે. હડતાળ રદ થતાં સોમવારથી દેશભરની બેન્કોમાં તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
5-ડે વર્કિંગ સહિતની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા બાદ IBA અને UFBUના પ્રતિનિધિઓની ઉચ્ચસ્તરીય કમિટી રચવાનો નિર્ણય લેવાયો છે. કમિટી તમામ પક્ષો સાથે ચર્ચા કરીને બેન્કિંગ સેવાઓ અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉકેલ શોધશે.
હડતાળ અર્ધવાર્ષિક ક્લોઝિંગના સમયે યોજાવાની હોવાથી ચેક ક્લિયરિંગ, લોન, રોકડ વ્યવહારો અને અન્ય નાણાકીય સેવાઓને અસર થવાની આશંકા હતી. હવે હડતાળ રદ થતાં વેપારીઓ, ઉદ્યોગકારો અને બેન્ક ગ્રાહકોને મોટી રાહત મળી છે.








