2036 ઓલિમ્પિક્સ માટે ભારતની દાવેદારી મજબૂત

IOCના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ ભારતે રજૂ કરી આયોજનની રૂપરેખા; અમદાવાદની રમતગમત સુવિધાઓ અને સરકારના સહયોગની વિગતો રજૂ કરાઈ

વર્ષ 2036માં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સનું આયોજન ભારતમાં થાય તે દિશામાં ભારતે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ માટે ભારતે ગુરુવારે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશન સાથે ઓનલાઈન બેઠક યોજી પોતાની દાવેદારી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં દેશની રમતગમત ક્ષેત્રે થયેલી પ્રગતિ, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ભવિષ્યની આયોજન યોજનાઓ રજૂ કરવામાં આવી હતી.

50 મિનિટ સુધી ચાલી બેઠક

કોલિંડા ગ્રાબર કિતારોવિચના અધ્યક્ષપદ હેઠળના નવ સભ્યોના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ ભારતે આશરે 30 મિનિટ સુધી પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ લગભગ 20 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતે 2036ની ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની યજમાની માટેનો પોતાનો દૃષ્ટિકોણ અને પ્રસ્તાવિત રોડમેપ રજૂ કર્યો હતો.

મનસુખ માંડવિયા, પીટી ઉષા અને પીવી સિંધુ સામેલ

ઓનલાઈન બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)નાં પ્રમુખ પીટી ઉષા અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હાજર રહ્યાં હતાં.

IOA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે પ્રસ્તાવિત યજમાન શહેર અમદાવાદની તૈયારીઓ અને ત્યાં ઉપલબ્ધ રમતગમતની માળખાગત સુવિધાઓ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેર, રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ તરફથી મળતા સહયોગને પણ રજૂઆતમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

રમતગમતના વિકાસની લાંબા ગાળાની યોજના રજૂ

ભારતે આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓની યજમાની કરવાનો પોતાનો અનુભવ પણ IOC સમક્ષ રજૂ કર્યો હતો. પ્રસ્તાવિત રમત સ્થળોના વિકાસ માટેની યોજનાઓ અને ઓલિમ્પિક્સ જેવી મોટી સ્પર્ધાના આયોજન માટેનો લાંબા ગાળાનો દૃષ્ટિકોણ પણ સમજાવવામાં આવ્યો હતો. દેશમાં રમતગમતની સુવિધાઓના ઝડપી વિકાસને ભારતે પોતાની દાવેદારીના મહત્વના પાસાં તરીકે રજૂ કર્યો હતો.

સાત દેશો વચ્ચે યજમાનીની સ્પર્ધા

2036 ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે ભારત સહિત કુલ સાત દેશોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. તેમાં જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કિયેનો સમાવેશ થાય છે.

હવે પ્રેઝન્ટેશન બાદ IOC ભારતની દાવેદારી અંગે સામાન્ય જનતાનો અભિપ્રાય જાણવા માટે ગુપ્ત સર્વેક્ષણ કરાવશે. આ સર્વેક્ષણ દ્વારા લોકોનો મત જાણવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 2036ની ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે ભારતની દાવેદારીમાં આ આગળનું મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.

Leave a Comment

और पढ़ें