દેશમાં જ મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે; પાંચ વર્ષમાં બે પ્લાન્ટ સ્થાપવાની તૈયારી, કંપનીઓને 30 ટકા સુધી કેપિટલ સબસિડી મળશે
કેન્દ્ર સરકારે લિથિયમ અને નિકલ જેવા મહત્વપૂર્ણ ખનિજોના દેશમાં જ પ્રોસેસિંગને વેગ આપવા માટે રૂ.2,814 કરોડની યોજનાને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 દરમિયાન પાંચ વર્ષમાં આ રકમ ખર્ચવામાં આવશે. બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આ ખનિજોની આયાત પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ પ્રોસેસિંગ અને સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદનની ક્ષમતા વિકસાવવાનો છે.
આ યોજના અમલમાં આવવાથી ઇલેક્ટ્રિક વાહનો (EV), બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને લાભ મળવાની અપેક્ષા છે. યોજના હેઠળ લિથિયમ અને નિકલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં કાચા ખનિજોને ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ઉપયોગી પદાર્થોમાં રૂપાંતરિત કરવામાં આવશે.
લિથિયમ અને નિકલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ સ્થાપશે
યોજના હેઠળ લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટની ન્યૂનતમ ક્ષમતા 30 હજાર ટન અને નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટની ન્યૂનતમ ક્ષમતા 50 હજાર ટન નક્કી કરવામાં આવી છે. આ પ્લાન્ટ્સમાં ખનિજોમાંથી બેટરી અને અન્ય ઔદ્યોગિક ઉપયોગ માટે જરૂરી ઉચ્ચ શુદ્ધતાવાળા પદાર્થો તૈયાર કરવામાં આવશે.
નિકલના પ્રોસેસિંગ દરમિયાન કોબાલ્ટ ઉપ-ઉત્પાદન (બાય-પ્રોડક્ટ) તરીકે મળવાની પણ શક્યતા છે. આથી લિથિયમ અને નિકલની સાથે કોબાલ્ટ જેવા અન્ય મહત્વપૂર્ણ ખનિજોની ઉપલબ્ધતા વધારવામાં પણ મદદ મળી શકે છે.
રોકાણ પર 30 ટકા સુધી કેપિટલ સબસિડી
પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર કંપનીઓને તેમના રોકાણના 30 ટકા જેટલી કેપિટલ સબસિડી આપશે. જોકે, સહાયની મહત્તમ મર્યાદા અલગ રાખવામાં આવી છે. લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપનારી કંપનીને વધુમાં વધુ રૂ.500 કરોડ અને નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપનારી કંપનીને વધુમાં વધુ રૂ.900 કરોડની સહાય મળી શકશે.
કંપનીઓની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કંપનીઓની ટેકનિકલ ક્ષમતાની ચકાસણી થશે. તેમાં સફળ થનારી કંપનીઓ બીજા તબક્કામાં નાણાકીય બોલી (ફાઇનાન્શિયલ બિડ) રજૂ કરી શકશે. દરેક ખનિજ માટે બે કંપનીઓની પસંદગી કરવામાં આવશે. તેમાં સૌથી ઓછી સરકારી સહાયની માગણી કરનારી કંપનીઓને પ્રાધાન્ય મળશે.
સબસિડીની ચુકવણી પણ એકસાથે નહીં, પરંતુ નક્કી કરેલા લક્ષ્યાંકો પૂર્ણ થવાના આધારે ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
વિદેશી સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટાડવાનો હેતુ: મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે ‘કેપેક્સ સપોર્ટ સ્કીમ’ને મંજૂરી આપી છે. રૂ.2,814 કરોડની આ યોજનાનો હેતુ દેશમાં જ મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી સપ્લાય ચેઇન પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ભવિષ્યની ઊર્જા જરૂરિયાતો માટે અત્યંત જરૂરી એવા ખનિજોના પ્રોસેસિંગમાં ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું જોઈએ નહીં. તેમણે લિથિયમ, નિકલ અને કોબાલ્ટને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યાં હતાં.
EV અને બેટરી ઉદ્યોગને મળશે પ્રોત્સાહન
લિથિયમ, નિકલ અને કોબાલ્ટનો ઉપયોગ બેટરી ઉત્પાદન સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં થાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને વીજળીનો સંગ્રહ કરતી બેટરીઓમાં આ ખનિજો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં ભારત આ ખનિજોમાંથી તૈયાર થતા ઉચ્ચ શુદ્ધતાવાળા પદાર્થો અને મધ્યવર્તી ઉત્પાદનો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે.
સરકારના જણાવ્યા મુજબ, વિશ્વમાં આ ખનિજોના પ્રોસેસિંગનું કામ મર્યાદિત દેશોમાં કેન્દ્રિત છે. તેના કારણે ભૂ-રાજકીય તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટ અને નિકાસ પરનાં નિયંત્રણો ઉદ્યોગો માટે પડકાર ઊભા કરી શકે છે. ખાસ કરીને ચીન દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ખનિજોની નિકાસ પર મૂકવામાં આવેલા નિયંત્રણોની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન પર જોવા મળી છે.
આ યોજનાથી ભારતમાં જ ખનિજોના પ્રોસેસિંગની ક્ષમતા વિકસશે, આયાત પરનું દબાણ ઘટશે અને EV, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ તથા સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જરૂરી કાચો માલ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મદદ મળશે.








