બંને ખેલાડીઓ અગાઉ T20 સિરીઝમાં પણ રમી શક્યા નહોતા; ટિમ સીફર્ટને પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં સામેલ કરાયો
વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને બેટ્સમેન માર્ક ચેપમેન ઈજાના કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ પોતાની ઈજામાંથી સંપૂર્ણપણે સાજા ન થયા હોવાથી ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ અગાઉ પાંચ મેચની T20 સિરીઝમાં પણ રમી શક્યા નહોતા.
માર્ક ચેપમેનને હેમસ્ટ્રિંગની ઈજા
માર્ક ચેપમેનને યુરોપિયન T20 પ્રીમિયર લીગ દરમિયાન ડાબા પગના હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સત્તાવાર નિવેદન મુજબ, તાજેતરમાં કરવામાં આવેલા MRI સ્કેન બાદ જાણવા મળ્યું છે કે તેને સંપૂર્ણ ફિટ થવા માટે હજુ આશરે બે અઠવાડિયાના રિહેબિલિટેશનની જરૂર છે. આ કારણે તે આગામી વનડે સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.
રચિન રવિન્દ્રને ખભાની ઈજા
બીજી તરફ, ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને એક પ્રમોશનલ શૂટ દરમિયાન થયેલી ઘટનામાં જમણા ખભાના સ્નાયુમાં ઈજા થઈ હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, તે હજુ સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર નથી. તેને ઈજામાંથી સાજા થવા માટે વધુ સમયની જરૂર હોવાથી વનડે સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
ટિમ સીફર્ટને પ્રથમ ત્રણ મેચ માટે તક
બંને ખેલાડીઓ બહાર થતાં ન્યૂઝીલેન્ડે ટીમમાં ફેરફાર કર્યા છે. વિકેટકીપર બેટ્સમેન ટિમ સીફર્ટને પ્રથમ ત્રણ વનડે મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ તેની પસંદગી માત્ર સિરીઝની છેલ્લી બે મેચો માટે કરવામાં આવી હતી, પરંતુ હવે તેને શરૂઆતની ત્રણ મેચોમાં પણ રમવાની તક મળી શકે છે.
હેનરી નિકોલ્સ અને ડીન ફોક્સક્રોફ્ટનો પણ સમાવેશ
ન્યૂઝીલેન્ડે ડાબોડી બેટ્સમેન હેનરી નિકોલ્સ અને ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. નિકોલ્સ પ્રથમ ત્રણ વનડે મેચો માટે ટીમ સાથે રહેશે, જ્યારે ફોક્સક્રોફ્ટ છેલ્લી બે મેચો માટે ટીમમાં જોડાશે.
સિરીઝ પહેલાં બે મહત્વના ખેલાડીઓ બહાર થતાં ન્યૂઝીલેન્ડના ટીમ સંયોજનમાં ફેરફાર કરવો પડ્યો છે. હવે નવા ખેલાડીઓ મળેલી તકનો કેટલો લાભ ઉઠાવે છે તેના પર સૌની નજર રહેશે.







