અમેરિકામાં લાઇફ ઇન્શ્યોરન્સની રકમ મેળવવા જીવિત વ્યક્તિને સરકારી ચોપડે મૃત દર્શાવવાનો પ્રયાસ; અંતિમ સંસ્કારની નોંધ ન મળતાં સમગ્ર મામલો શંકાના દાયરામાં
દેહરાદૂન: અમેરિકામાં આશરે રૂ.10 કરોડની લાઇફ ઇન્શ્યોરન્સની રકમ મેળવવા માટે દેહરાદૂનના એક પરિવાર દ્વારા જીવિત વ્યક્તિને સરકારી દસ્તાવેજોમાં મૃત દર્શાવવાનો પ્રયાસ કરાયો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ માટે નગર નિગમમાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે સ્મશાનગૃહની બનાવટી રસીદ પણ રજૂ કરવામાં આવી હતી. જોકે, સ્મશાનના રેકોર્ડમાં અંતિમ સંસ્કાર થયાની કોઈ નોંધ ન મળતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો.
21 માર્ચે મૃત્યુ થયું હોવાનો દાવો
મળતી વિગતો મુજબ, દેહરાદૂનનો આ પરિવાર છેલ્લા સાતથી આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો છે. પરિવારના એક સભ્યના નામે અમેરિકામાં આશરે રૂ.10 કરોડનું લાઇફ ઇન્શ્યોરન્સ લેવામાં આવ્યું હતું. પરિવાર ગત ફેબ્રુઆરી મહિનામાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા દેહરાદૂન આવ્યો હતો. આ દરમિયાન સંબંધિત વ્યક્તિનું 21 માર્ચ, 2026ના રોજ અવસાન થયું હોવાનું દર્શાવીને નગર નિગમમાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા અરજી કરવામાં આવી હતી.
વીમા કંપનીની તપાસ એજન્સીને શંકા જતાં મામલો બહાર આવ્યો
મૃત્યુના દાવા અંગે શંકા ઊભી થતાં અમેરિકી વીમા કંપનીની ભારતીય તપાસ એજન્સી ‘ડિલિજન્સ ઇન્ટરનેશનલ’ના અધિકારીઓએ દેહરાદૂન નગર નિગમની કચેરીનો સંપર્ક કર્યો હતો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. એજન્સીની પ્રાથમિક તપાસમાં સંબંધિત વ્યક્તિના મૃત્યુ અંગે કોઈ વિશ્વસનીય પુરાવા મળી આવ્યા નહોતા.
ત્યારબાદ ચંદ્રાબની સ્મશાનગૃહના રજિસ્ટર અને અન્ય રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. જોકે, જે વ્યક્તિના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો તેના અંતિમ સંસ્કાર થયા હોવાની કોઈ નોંધ મળી નહોતી.
અંતિમ સંસ્કારની રસીદ પણ બનાવટી હોવાની આશંકા
નગર નિગમની આંતરિક તપાસ દરમિયાન મૃત્યુ પ્રમાણપત્રની અરજી સાથે રજૂ કરવામાં આવેલી અંતિમ સંસ્કારની રસીદ પણ શંકાસ્પદ જણાઈ હતી. આ રસીદ ચંદ્રાબની સ્મશાનગૃહની અસલ રસીદ જેવી જ બનાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય નગર સ્વાસ્થ્ય અધિકારી ડૉ. આનંદ શુક્લાના આદેશથી અરજદારને નોટિસ પાઠવવામાં આવી છે. નગર નિગમ દ્વારા એક અઠવાડિયાની અંદર લેખિત જવાબ રજૂ કરવા જણાવાયું છે. જો જવાબ સંતોષકારક નહીં હોય તો સંબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ અને FIR નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
જન્મ-મૃત્યુ પ્રમાણપત્રની પ્રક્રિયા વધુ કડક બનાવાશે
આ ઘટના બાદ નગર નિગમ દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો જારી કરવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ચકાસણી લાવવાની તૈયારી કરવામાં આવી છે. હવેથી આ પ્રક્રિયા સંબંધિત ફી ઓનલાઈન જમા કરાવવાની વ્યવસ્થા લાગુ કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.
નોંધનીય છે કે દેહરાદૂન નગર નિગમમાં અગાઉ પણ નકલી પ્રમાણપત્રોના આધારે વીમાની રકમ મેળવવાના પ્રયાસો સામે આવ્યા હોવાનું જણાવાયું છે. હાલના કિસ્સામાં નગર નિગમની તપાસ અને પોલીસ કાર્યવાહી બાદ જ સમગ્ર કાવતરાની હકીકત સ્પષ્ટ થશે.







