મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં મંડલેશ્વરના ઘાટ પરથી કાર્ડ મળ્યાં; મતચોરીના આક્ષેપો વચ્ચે પોલીસ અને વહીવટી તંત્રે તપાસ હાથ ધરી
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કિનારેથી હજારોની સંખ્યામાં વોટર આઈડી કાર્ડ મળી આવતાં રાજકીય ગરમાવો ફેલાયો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાર્ડ જપ્ત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ખરગોન જિલ્લા મુખ્યમથકથી આશરે 65 કિલોમીટર દૂર આવેલા મંડલેશ્વરના નર્મદા ઘાટ પરથી આ કાર્ડ મળી આવ્યાં હતાં. કહેવાય છે કે તેમાંથી મોટાભાગનાં કાર્ડ ઈન્દોરના રાઉ વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓનાં છે. જોકે, કાર્ડની ચોક્કસ સંખ્યા, માલિકી અને તે નદી કિનારે કેવી રીતે પહોંચ્યાં તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે નિઃસ્વાર્થ સેવા સમિતિના સભ્યો નર્મદા ઘાટની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને આ વોટર આઈડી કાર્ડ જોવા મળ્યાં હતાં. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેશ્વરના SDM પૂર્વા મંડલોઈએ મામલતદાર અને મહેસૂલ વિભાગની ટીમને તપાસ માટે સ્થળ પર મોકલી હતી. તપાસના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કોંગ્રેસે મતચોરીનો આક્ષેપ કર્યો
આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોએ મંડલેશ્વર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખરગોન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રવિ નાયકે આ મામલે મતચોરીના આક્ષેપો કરતાં તટસ્થ તપાસ કરવાની અને જવાબદારો સામે FIR નોંધવાની માંગ કરી છે.
હાલમાં પોલીસ લેખિત ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. આ કાર્ડ કોના છે, કોણે અને ક્યારે ત્યાં મૂક્યાં હતાં તેમજ આ પાછળ કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ મતચોરીના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.









