ગોકુલધામ મેઈન રોડ પર શંકાસ્પદ રીક્ષાની તપાસમાં દારૂનો જથ્થો મળ્યો; વાહન સહિત ₹3.04 લાખનો મુદ્દામાલ જપ્ત, દારૂ મૂકનાર સાહિલ ઉર્ફે સાદુ પોલીસ પકડથી દૂર
રાજકોટમાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અપનાવતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કચરાના કોથળાની આડમાં રીક્ષામાં દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે ગોકુલધામ મેઈન રોડ પર કાર્યવાહી કરી હતી. સુલભ શૌચાલય પાસે રોકેલી શંકાસ્પદ રીક્ષાની તપાસ કરતાં તેમાંથી ₹1.54 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા અને દારૂ સહિત કુલ ₹3.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે પોલીસે રીક્ષા અટકાવી
માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. મારૂ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ જીલરિયા અને કોન્સ્ટેબલ કરમણભાઈ જાદવને મળેલી બાતમીના આધારે પોલીસ ગોકુલધામ મેઈન રોડ પર વિજય હોટલવાળી શેરીમાં સુલભ શૌચાલય પાસે પહોંચી હતી. અહીં કચરાના કોથળા ભરેલી એક રીક્ષા શંકાસ્પદ જણાતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
કચરાની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો
રીક્ષાચાલકની પૂછપરછ દરમિયાન તેનું નામ ધર્મેશ અશોકભાઈ સીતાપરા (ઉંમર 26 વર્ષ), રહે. ભોમેશ્વર વાડી, જામનગર રોડ, રાજકોટ હોવાનું જાણવા મળ્યું હતું. રીક્ષામાં ઉપરના ભાગે કચરાના કોથળા ભરેલા હતા. પોલીસને શંકા જતાં કોથળાઓની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ₹1.54 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.
દારૂ મૂકનાર સાહિલ ઉર્ફે સાદુની શોધખોળ
પોલીસની પૂછપરછમાં ધર્મેશે જણાવ્યું હોવાનું કહેવાય છે કે જામનગર રોડ પરથી સાહિલ ઉર્ફે સાદુ પરમારે કચરાના કોથળામાં સંતાડીને રીક્ષામાં દારૂ મૂક્યો હતો. ત્યારબાદ ફોન પર સરનામું આપવામાં આવે ત્યારે ત્યાં દારૂ પહોંચાડવાનો હતો. આ વિગતોના આધારે પોલીસે દારૂ સપ્લાય કરવાના આરોપસર સાહિલ ઉર્ફે સાદુ પરમારને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
₹3.04 લાખનો મુદ્દામાલ કબજે
માલવિયાનગર પોલીસે દારૂનો જથ્થો અને રીક્ષા સહિત કુલ ₹3.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રીક્ષાચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.








