IMF પાસેથી અબજો ડોલરની લોન લેનાર પાકિસ્તાનને 2027માં મળશે મહત્વની જવાબદારી, IMF-વર્લ્ડ બેંકના બોર્ડની અધ્યક્ષતા માટે નોમિનેશન

પોતે આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના બોર્ડ ઓફ ગવર્નર્સનું નેતૃત્વ કરશે! જોકે, અધ્યક્ષપદ મળવાથી લોન કે નાણાકીય નિર્ણયો પર એકહથ્થુ સત્તા નહીં મળે.

આર્થિક સંકટ, વિદેશી દેવું અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પર નિર્ભરતા વચ્ચે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે મહત્વની જવાબદારી સોંપવાની જાહેરાત થઈ છે. વર્ષ 2027 માટે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (IMF) અને વિશ્વ બેંક સમૂહ (WBG)ના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષપદ માટે નોમિનેટ કરવામાં આવ્યું હોવાનો અહેવાલ છે. પાકિસ્તાન સરકાર આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કરી રહી છે.

1953 બાદ પાકિસ્તાનને ફરી મહત્વની તક

અહેવાલ અનુસાર, બેંગકોકમાં યોજાયેલી IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક દરમિયાન પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રી અહદ ખાન ચીમાનું નામ આગામી અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વના 191 દેશોના 15,000થી વધુ પ્રતિનિધિઓ અને નાણાકીય નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

આ જવાબદારીથી પાકિસ્તાનને વૈશ્વિક અર્થતંત્ર, નાણાકીય સ્થિરતા અને વિકાસ જેવા મુદ્દાઓ પર થતી ચર્ચાઓમાં ભાગ લેવાની તેમજ સભ્ય દેશો વચ્ચે સંવાદ વધારવાની તક મળશે.

IMFની લોન પર નિર્ભર છે પાકિસ્તાન

એક તરફ પાકિસ્તાનને વૈશ્વિક નાણાકીય સંસ્થાના બોર્ડની અધ્યક્ષતા માટે નોમિનેટ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ દેશની અર્થવ્યવસ્થા હજુ પણ નાણાકીય પડકારોનો સામનો કરી રહી છે. પાકિસ્તાન IMFના 7 અબજ ડોલરના એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) કાર્યક્રમ હેઠળ નાણાકીય સહાય મેળવી રહ્યું છે.

આ ઉપરાંત, આબોહવાકીય જોખમોનો સામનો કરવા માટે રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી (RSF) હેઠળ 1.4 અબજ ડોલરની સહાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં IMFના આગામી હપ્તા તરીકે વધુ 1.2 અબજ ડોલર મળવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.

અધ્યક્ષપદ એટલે નાણાંની તિજોરીની ચાવી નહીં

નિષ્ણાતોના મતે, IMF અને વિશ્વ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની અધ્યક્ષતા મળવાનો અર્થ એ નથી કે પાકિસ્તાનને સંસ્થાઓના નાણાં પર સીધો કાબૂ મળી જશે અથવા તે પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ શકશે. આ પદ મુખ્યત્વે સંસ્થાકીય સંચાલન અને સભ્ય દેશો વચ્ચે ચર્ચા-વિચારણાની પ્રક્રિયા સાથે જોડાયેલું છે.

આ જવાબદારીથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ભૂમિકા મજબૂત કરવાની તક મળી શકે છે, પરંતુ તેના કારણે દેશની આર્થિક સ્થિતિમાં આપમેળે સુધારો થશે એવું કહી શકાય નહીં. દેવું, વિદેશી હૂંડિયામણની સ્થિતિ અને આર્થિક સ્થિરતા જેવા પડકારોનો સામનો પાકિસ્તાને અલગથી જ કરવો પડશે.

Leave a Comment

और पढ़ें