રામપર બેટી ગામ પાસે PCBની કાર્યવાહી; ₹7.87 લાખનો મુદ્દામાલ કબજે, ટ્રકચાલકની ધરપકડ અને કથિત રિસીવર બુટલેગરની શોધખોળ
રાજકોટ શહેરમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે PCBએ કાર્યવાહી કરીને રાજકોટ-અમદાવાદ હાઈવે પર રામપર બેટી ગામના પાટિયા નજીક આવેલી જય ખોડિયાર હોટલના પાર્કિંગમાંથી દારૂ અને બિયર ભરેલી આઈશર ટ્રક ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની 40 બોટલ અને બિયરના 120 ટીન મળી આવ્યાં હતાં. પોલીસે ટ્રક સહિત કુલ ₹7.87 લાખનો મુદ્દામાલ કબજે કરીને 24 વર્ષીય ટ્રકચાલકની ધરપકડ કરી છે.
પોલીસને બાતમી મળતાં જ ટીમ ત્રાટકી
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા PCBની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. PCBના PI એમ.આર. ગોંડલિયાની રાહબરી હેઠળ ASI મહીપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને માહિતી મળી હતી કે રામપર બેટી ગામ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલી આઈશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે.
માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકની તપાસ કરી હતી. તપાસમાં વિવિધ બ્રાન્ડની દારૂની 40 બોટલ અને બિયરના 120 ટીન મળી આવતાં પોલીસે જથ્થો કબજે કર્યો હતો. દારૂ-બિયરની કિંમત ₹87,444 અને આઈશર ટ્રક સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹7.87 લાખ હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રથી જથ્થો લાવી રાજકોટમાં સપ્લાય કરવાનો આરોપ
આ કેસમાં પોલીસે જયદીપ નવલ વ્યાસ (ઉંમર 24 વર્ષ, રહે. જશરાજનગર, શેરી નં. 1, મવડી ચોકડી પાસે, રાજકોટ)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ટ્રક ચલાવવાનું કામ કરે છે અને મહારાષ્ટ્ર તરફ ફેરો મારવા ગયો હતો. પરત ફરતી વખતે તે અલગ-અલગ દારૂના ઠેકાણાં પરથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ જથ્થો રાજકોટમાં રહેતા દર્શન વ્યાસ નામના પરિચિતને પહોંચાડવાનો હતો. જોકે, જથ્થો પહોંચાડવામાં આવે તે પહેલાં જ PCBની ટીમે કાર્યવાહી કરી ટ્રકચાલકને ઝડપી લીધો હતો.
દર્શન વ્યાસની શોધખોળ શરૂ
ટ્રકચાલકની ધરપકડ બાદ પોલીસે કથિત રિસીવર દર્શન વ્યાસને શોધવા માટે તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો, તેને રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં અને આ હેરાફેરી પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં પોલીસે દારૂ-બિયરનો જથ્થો અને આઈશર ટ્રક કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નક્કી થશે.









