ભાવનગરના ત્રાપજ પાસે મોતનો તાંડવ: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7 લોકોનાં કરુણ મોત

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કર્મચારીઓ સાથે સર્જાયો કાળમુખો અકસ્માત; 6નાં સ્થળ પર જ મોત, ગંભીર ઇજાગ્રસ્તે પણ દમ તોડ્યો

ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક 6 ઓક્ટોબરના રોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં સાત લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા પર ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર છ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અલંગના બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં મોત

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા સ્ટાફના સભ્યો હતા. આ દુર્ઘટનામાં વિજય, સાધુ, જિગ્નેશ, ભાર્ગવ, હિરેન અને યોગેશનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે જયેશ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અકસ્માાત બાદ ગંભીર ઇજાગ્રસ્ત જયેશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજતાં મૃતકોની સંખ્યા વધીને સાત થઈ હતી. એકસાથે સાત લોકોનાં મોતથી મૃતકોના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાસ્થળે દોડી આવી પોલીસ, તપાસ શરૂ

અકસ્માાતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો કે અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું, તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાના સમાચાર ફેલાતાં જ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોના પરિવારજનો અને સહકર્મચારીઓમાં ભારે આઘાત અને અરેરાટી જોવા મળી રહી છે.

Leave a Comment

और पढ़ें