956 ગ્રામ સોનાની દાણચોરીનો પર્દાફાશ; બે કાચી સોનાની ચેઇન, 8 બંગડીઓ અને 10 સોનાના બિસ્કિટ જપ્ત
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈ આવેલી 51 વર્ષીય મહિલા પાસેથી આશરે રૂ. 1.26 કરોડની કિંમતનું 956 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના AIU અધિકારીઓ મુસાફરોની અવરજવર અને શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન રિયાધથી આવેલી ફ્લાઇટના મુસાફરોમાં એક મહિલા પર અધિકારીઓને શંકા જતાં તેને સ્પોટ પ્રોફાઇલિંગના આધારે અટકાવવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં આવતાં સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો.
તપાસ દરમિયાન મહિલાની ઓળખ કર્ણાટકની રહેવાસી 51 વર્ષીય અફઝલુન્નિસા એ. તરીકે થઈ હતી. કસ્ટમ્સની ટીમે તેની પાસેથી બે કાચી સોનાની ચેઇન, આઠ કાચી સોનાની બંગડીઓ અને 10 સોનાના બિસ્કિટ મળી કુલ 956 ગ્રામ સોનું કબજે કર્યું હતું.
જપ્ત કરવામાં આવેલા સોનાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 1.26 કરોડ હોવાનું જણાવાયું છે. વિદેશથી મુંબઈ આવી રહેલી મહિલા પાસેથી આટલી મોટી કિંમતનું સોનું મળી આવતાં એરપોર્ટ પર દાણચોરીના પ્રયાસો સામે કસ્ટમ્સ વિભાગની સતર્કતા ફરી ચર્ચામાં આવી છે. હાલ આ સોનું કયા હેતુથી લાવવામાં આવ્યું હતું અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્કની સંડોવણી છે કે કેમ, તે સહિતનાં પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.









