બેનિન સિટીથી લાગોસ જતું વાયુસેનાનું ATR-42 વિમાન દુર્ઘટનાગ્રસ્ત; રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા, દરિયાકાંઠે કાટમાળ મળી આવ્યો
નાઇજીરીયામાં સોમવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બેનિન સિટીથી લાગોસ જઈ રહેલું નાઇજીરીયન વાયુસેનાનું ATR-42 વિમાન ક્રેશ થતાં તેમાં સવાર 32 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં 25 મુસાફરો અને સાત ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ બચી ન હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે.
નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ દુર્ઘટનાની પુષ્ટિ કરતાં વાયુસેનાને અકસ્માતનાં કારણોની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિમાન નિયમિત મિશન પર હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.
એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યો
ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કેઆમોના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે આશરે નવ વાગ્યે વાયુસેનાના વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધ અને બચાવ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
થોડા સમય બાદ દરિયાકાંઠાના શહેર ઇગ્બોકોડા નજીક નૌકાદળના મથક પાસે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. દુર્ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, વિમાનમાં સવાર કોઈ વ્યક્તિ બચી ન હોવાના અહેવાલથી દુર્ઘટનાની ગંભીરતા સામે આવી છે.
નદી નજીક કાટમાળ મળતાં ભયાનક દૃશ્યો
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વિમાન નદીની નજીક તૂટી પડ્યું હતું અને તેનો કેટલોક કાટમાળ પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ વિમાનના અવશેષો સાથે કપડાં, જૂતાં અને શરીરના ભાગો પણ જોયા હોવાનો દાવો કર્યો હતો. કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમને પહેલાં જોરદાર વીજળીના અવાજ જેવો ધડાકો સંભળાયો હતો, ત્યારબાદ ઘટનાસ્થળે કાટમાળ જોવા મળ્યો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ નાઇજીરીયન વાયુસેનાએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
નાઇજીરીયાના હવાઈ ઇતિહાસની ગંભીર દુર્ઘટનાઓમાં સમાવેશ
આ વિમાન દુર્ઘટનાને તાજેતરના વર્ષોમાં નાઇજીરીયામાં સર્જાયેલી ગંભીર હવાઈ દુર્ઘટનાઓમાંની એક ગણાવવામાં આવી રહી છે. એકસાથે 32 લોકોનાં મોતથી દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતા વધી છે. રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા હોવાથી હવે અકસ્માત પાછળનાં કારણો અને વિમાનની છેલ્લી ઉડાનની પરિસ્થિતિ અંગે વધુ વિગતો સામે આવવાની અપેક્ષા છે.
હાલમાં દુર્ઘટનાનાં કારણો અંગે અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ વિમાન ક્રેશ થવા પાછળની હકીકત જાણી શકાશે.









