મુંબઈ ફિલ્મ સિટીમાં ‘રામાયણ’ના સેટ પર ભીષણ આગ : આસપાસના શૂટિંગ સેટમાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ સ્થિત ફિલ્મ સિટીમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ના કામચલાઉ સેટ પર અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ ઘટનાની અસર નજીકમાં શૂટિંગ ચાલી રહેલા ‘પતિ પત્ની ઔર પંગા-2’ અને MTVના ‘હસલ 5’ જેવા કાર્યક્રમોના સેટ પર પણ જોવા મળી હતી.

મળતી માહિતી અનુસાર, સોમવાર, 5 ઓક્ટોબરના રોજ બપોરે 4:02 વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને ફિલ્મ સિટીમાં આગ લાગ્યાનો સંદેશ મળ્યો હતો. રિલાયન્સ મીડિયા વર્ક્સ અને પ્રાઈમ ફોકસ સ્ટુડિયોની પાછળના વિસ્તારમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પ્રાઈમ ફોકસ સ્ટુડિયોની પાછળ બનાવવામાં આવેલા કામચલાઉ સેટના PCR યુનિટમાંથી આગની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં શૂટિંગમાં વપરાતા ઇલેક્ટ્રિકલ વાયરિંગ, કેબલ્સ, લાકડાં, વાંસ, પ્લાસ્ટિકની સામગ્રી, સાઉન્ડ સિસ્ટમ, AC યુનિટ્સ અને અન્ય મોંઘાં સાધનો તેની લપેટમાં આવી ગયાં હતાં. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે સેટ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, BMCની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ સતત પ્રયાસો કરીને સાંજે 4:55 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગના કારણે સેટ અને શૂટિંગમાં વપરાતાં સાધનોને નુકસાન થયું હોવાની શક્યતા છે. આ ઘટનાથી ફિલ્મના નિર્માણકાર્ય પર શું અસર પડશે તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ‘રામાયણ’ના સેટ પર લાગેલી આગને પગલે ફિલ્મ સિટી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નજીકમાં ચાલી રહેલા અન્ય કાર્યક્રમોના શૂટિંગ પર પણ આગ અને ધુમાડાની અસર પડી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

Leave a Comment

और पढ़ें