15 ઓક્ટોબરથી લાગુ થનારી UPI ચાર્જ સિસ્ટમને લઈને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વેપારી ગ્રાહક પાસેથી UPI પેમેન્ટનો ચાર્જ વસૂલે નહીં તે માટે ફરિયાદ વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. આ માટે ગ્રાહક હેલ્પલાઇન નંબર 1951 પર ફરિયાદ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સરકારના જણાવ્યા મુજબ, UPI પેમેન્ટ પર લાગતા ચાર્જની જવાબદારી વેપારી તરફથી ગ્રાહક પર નાખવામાં આવે તો હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોની તપાસ કરવામાં આવશે. તપાસમાં નિયમોનો ભંગ સાબિત થાય તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. નવા નિયમોના અમલને લઈને ગ્રાહક બાબતોના મંત્રાલયના કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.
નવા નિયમો મુજબ વ્યક્તિથી વ્યક્તિ (P2P) UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. જ્યારે વ્યક્તિથી વેપારીને કરવામાં આવતા પેમેન્ટમાં રૂ.2,000 સુધીની રકમ માટે ચાર્જ મુક્તિ રહેશે. રૂ.2,000થી વધુના પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ લાગુ થવાની જોગવાઈ છે.
જોકે, ચાર્જ માટે મહત્તમ મર્યાદા રૂ.300 રાખવામાં આવી છે. એટલે કે પેમેન્ટની રકમ મોટી હોય તો પણ 0.4 ટકા મુજબ ગણતરી થયા બાદ ગ્રાહક પાસેથી મહત્તમ રૂ.300 સુધીનો જ ચાર્જ વસૂલ કરી શકાશે. નવા નિયમોનો અમલ 15 ઓક્ટોબરથી થવાનો છે.








