જેતપુર સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી રૂ.50 હજારની કિંમતના કોપરના પાઇપ અને પિત્તળના વાલ્વ ચોરી કરવાના બનાવમાં રાજકોટ ગ્રામ્ય LCBને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉના અને વિસાવદરના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 10 પિત્તળના વાલ્વ, આશરે 3 કિલો કોપરની પાઇપના કટકા સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.34,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રભાઈ ગોહેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 15મીએ પ્લાન્ટનું નિયમિત ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તમામ પાઇપ અને કનેક્શન યોગ્ય સ્થિતિમાં હતા. જોકે, 17મીએ બપોરે ફરી ચેકિંગ માટે પહોંચતા પ્લાન્ટની બહાર મેનિફોલ્ડમાં જોડાયેલા કોપરના 10 પાઇપ અને તેની સાથેના 10 પિત્તળના વાલ્વ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
હોસ્પિટલના સ્ટાફ પાસે પણ આ અંગે કોઈ માહિતી ન મળતાં નોડલ ઓફિસર અને મેટ્રનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે રૂ.50 હજારની કિંમતના પાઇપ અને વાલ્વ ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી LCB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
LCB PI જે.પી. રાવની રાહબરી હેઠળની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાળુ ઉર્ફે કાળીયો જોરૂ સોલંકી, રોહન ઉર્ફે રોનક જીવરાજ ડાભી અને પ્રભાબેન સુરેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 10 સ્ટીલ-ક્રોમ પિત્તળના વાલ્વ, 3 કિલો કોપરની પાઇપના કટકા, પક્કડ, પાનું અને તણી સહિતના સાધનો, મોબાઇલ ફોન તથા રૂ.3,400 રોકડ કબજે કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા કાળુ ઉર્ફે કાળીયો વિરુદ્ધ અગાઉ દારૂ, મારામારી અને જુગાર સહિતના ગુનાઓ નોંધાયેલા છે. હાલ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની સંડોવણી અન્ય મિલકત સંબંધિત ચોરીના ગુનાઓમાં છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.








